અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં સિઝિંગના ધંધા સાથે સંકળાયેલા એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર કુંજલ પટેલ ઉર્ફે કે. પી પટેલ અગાઉ દરિયાપુર વિસ્તારમાંથી એક રાજકીય પાર્ટીના ઉમેદવાર તરીકે પણ ચૂંટણીમાં ઉભો હતો. સમગ્ર બાબતે પરિવારમાં થયેલો ઝગડો કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે બાબતે માધુપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, આપઘાત કરનાર કુંજલ પટેલ સોનાના દાગીના પહેરવાનો શોખીન હતો જેથી તે તેની ઓળખ બની ગઇ હતી. માધુપુરામાં આવેલી યોગેશ સોસાયટીમાં કુંજલ પટેલ નામના વ્યક્તિ રહેતા હતા. શનિવારે તેઓએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
માધુપુરા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, કુંજલ વાહન સિઝિંગના ધંધા સાથે સંકળાયેલો હતો અને તે ધંધાના માર્કેટમાં નામચીન વ્યક્તિ હતો. આપઘાત પહેલા તેણે તેની પત્ની સાથે બોલવાનું થયું હતું. કુંજલને તેના ભાઈ સાથે થયેલા ઝગડાનું સમાધાન થતા તેણે પત્નીને સમાધાનની જાણ કરી હતી. બાદમાં પત્નીએ આ બાબતે બોલતા તેને કુંજલએ પિયર જતું રહેવાનું કહેતા તે પિયર જતી રહી અને બાદમાં કુંજલે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
કુંજલ અગાઉ એક રાજકીય પાર્ટીમાંથી પણ ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી ચુક્યો હોવાનું માધુપુરા પી.આઇ. આર. ટી. ઉદાવતે જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, આપઘાત પાછળ પરિવારમાં બનેલી આ ઘટના જ કારણભૂત છે કે, અન્ય કોઈ કારણ છે તે બાબતે તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે