વ્યાજે રુપિયા આપીને લોકોને નિશાન બનાવતા વ્યાજખોરોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ વખતે વ્યાજખોરોથી કંટાળેલા એક યુવકે અંતિમ પગલું ભર્યું છે. વ્યાજ વધી જવાથી યુવક માટે તે ભરવું મુશ્કેલ બની ગયું હતું. આવામાં વ્યાજખોરોએ તેનું બાઈક પડાવી લઈને તેને ત્રાસ આપવાનું શરુ કરતા તેણે કંટાળીને અંતિમ પગલું ભર્યું છે.
આ પહેલા યુવકે પોતાનો વિડીયો પણ બનાવ્યો હતો. યુવકે વિડીયો કહી રહ્યો છે કે, તમે જ્યારે આ વિડીયો જોશો ત્યારે હું નહીં હોઉં, મને માફ કરજો. પોલીસે આ અંગે તપાસ શરુ કરી છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, છતાં તેમનો ત્રાસ ઓછો નથી થઈ રહ્યો.
આવામાં કડક ઉઘરાણી કરાતી હોવાથી ઘણાં લોકો સહન ના કરી શકતા અંતિમ પગલું ભરી લેતા હોય છે. ખોખરામાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા ઉર્મિત ઉર્ફે બંટીએ વ્યાજખોરોથી કંટાળીને આપઘાત કરી લીધો છે અને તેના બે વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં યુવક કહી રહ્યો છે કે,
જે થયું તે થઈ ગયું, મેં રુપિયા ભેગા કરવા માટે બહુ મહેનત કરી પરંતુ મને સફળતા ના મળી.મને એટલા રુપિયા ભેગા કરવાનો ટાઈમ ના મળ્યો. બે લાખ રુપિયા ભેગા કરવા નાની વાત નથી. આ વિડીયોમાં મૃતક કોને કેટલા રુપિયા ચૂકવવાના છે તે અંગે પણ વાત કરતો જાય છે.
રિશી ટાંક નામના વ્યક્તિને તેણે રુપિયા ૫૪ હજાર ચૂકવવાના હતા પરંતુ તે ચૂકવી શક્યો ના હોવાથી તેઓ તેનું બાઈક પણ લઈ ગયા હોવાનું જણાવ્યું છે. આ કેસમાં પોલીસે પૂનમ રબારી, પ્રજ્ય દવે, રિશી ટાંક, ચિરાગ પંડ્યા અને ટીની ટાંક સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આ સાથે યુવકે આત્મહત્યા માટે તેની પ્રેમિકાએ એક અઠવાડિયાથી રોક્યો હોવાની વાત કરી છે, અને તેની પ્રેમિકાનો કોઈ વાંક ના હોવાનું જણાવ્યું છે.