જુલાઇથી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થવાની સંભાવના
કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનલોક પ્રક્રિયા ઝડપી બની છે. મોટાભાગના રાજ્યોમાં બજાર, મોલ, રેસ્ટોરન્ટ, પાર્ક વગેરે ખોલવામાં આવ્યા છે પણ શાળા-કોલેજ સહિતની બધી શૈક્ષણિક સંસ્થાઓ હજુ બંધ છે. તેને ટુંક સમયમાં ખોલવાની તૈયારી છે. એવું મનાય રહ્યું છે કે જુલાઇમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા પછી શૈક્ષણિક સંસ્થાઓને એડમિશન અને પરીક્ષા વગેરે માટે ખોલવાની પરવાનગી આપી શકાય છે. જો કે હાલ તો આ અંગે રાજ્યોના સૂચનો લેવાઇ રહ્યા છે.
આ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓના રસીકરણ પર ભાર મુકાયો છે. બધા રાજ્યોને આ બાબતે જરૂરી પહેલ કરવાના નિર્દેશ અપાયા છે. સૂત્રો અનુસાર, હમણાં વર્ગો ચાલુ કરવા એટલે કે વિદ્યાર્થીઓને બોલાવવા અંગે નિર્ણય નહીં લેવાય. શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાનો ઉદ્દેશ એડમીશન અને બાકી રહેલી પરીક્ષાઓ વગેરેની પ્રક્રિયાઓ ઝડપથી શરૂ કરવાનો છે કેમકે જુલાઇમાં દસમાં અને બારમાંના પરિણામો આવવાના છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સ્થિતિ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને કલાસમાં બોલાવવાનો નિર્ણય નહી લેવાય.
રાજ્યોને પણ પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાની છૂટ અપાઇ છે. જુલાઇ અને ઓગસ્ટમાં એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે જેઇઇની બે પરિક્ષાઓ અને મેડીકલમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાઓ યોજવાની તૈયારી હોવાથી આ પ્રક્રિયા ઝડપી બનાવાઇ છે. આ પરિક્ષાઓ માટેના મોટાભાગના કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ જ હોય છે. આ દરમિયાન કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સંગઠનો જે યોજના પર કામ કરી રહ્યા છે, તેમાં પહેલા નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. તો કેન્દ્રીય યુનિવર્સિટી સહિતની અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં છેલ્લા વર્ષ અને રિસર્ચ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી વધુ જોખમ હોવાનો ભય વ્યકત કરાઇ રહ્યો છે