વસ્તુઓના ભાવોમાં થયેલા વધારા સામે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના નેજા હેઠળ આશ્રમ રોડ પર પ્લે કાર્ડ અને બેનર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
પેટ્રોલમાં લીટરે એકસાઇઝ ડયૂટીના લેવામાં આવતાં 33.89 રૂપિયા ઘટાડવા માટે દેશના વડાપ્રધાનને એક લાખ ગ્રાહકોની સહીઓ સાથેનું મેમોરેન્ડમ મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિના મહિલા પ્રમુખ સુચિત્રા પાલ તથા ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખની આગેવાની હેઠળ આશ્રમ રોડ પર સરઘસના સ્વરૂપમાં રેલી કાઢી મોંઘવારી સામે સૂત્રોચ્ચાર પોકારીને વાતાવરણ ગજવી મૂકવામાં આવ્યું હતું.
રૂપિયા 30ની કોસ્ટ પ્રાઇઝનું પેટ્રોલ-ડિઝલ ગ્રાહકોને રૂપિયા 100 કે તેથી વધારે ભાવે વેચાણ કરવામાં આવે છે. તે જ રીતે ડિઝલમાં પણ બેફામ એકસાઇઝ ડયૂટી અને સરકારી સેસ અને વેટ વસૂલ કરવામાં આવે છે. સરકારનો આર્થિક આંતકવાદ નાબૂદ કરાવવા માટે રાષ્ટ્રીય ગ્રાહક જાગુત્તિ અભિયાન ચલાવવામાં આવશે. તે જ રીતે રસોઇ ગેસના બાટલાની સબસીડી સરકારે ચુપચાપ બંધ કરી દીધી છે.
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવવધારો કરોડો મહિલા ગ્રાહકો માટે આઘાતજનક અને પીડાદાયક છે. ગ્રાહક સુરક્ષાના માધ્યમથી બિનજરૂરી ભાવવધારો, મોંઘવારી, નફાખોરી સામે સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્ર આપી ચેતવણી આપવામાં આવશે અને દેશના વડાપ્રધાનને ભાવવધારો ઘટાડવા માટે એક લાખ લોકોની સહીઓ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે. તેમણે વધુમાં એવી પણ માંગણી કરી હતી કે, પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના જસ્ટિસની આગેવાની હેઠળ ભાવ નિર્ધારણ પંચની રચના કરવી જોઇએ.