ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની ૪૯ કિલોની વેટ કેટેગરીમાં કુલ ૨૦૨ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીતી છે.
બીજી તરફ ભારતીય શૂટર સૌરભ ચૌધરી ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પહોંચી ગયો છે. સૌરભ ૬ઠ્ઠી સિરીઝના કવોલિફાઇંગ રાઉન્ડમાં ૬૦૦ પોઇન્ટમાંથી ૫૮૬ સ્કોર પર પ્રથમ રહ્યો હતો. આ ઇવેન્ટમાં અન્ય એક બીજા ભારતીય શૂટર અભિષેકને કવોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર કરી દેવાયો હતો. ૫૭૫ પોઇન્ટ સાથે તે ૧૭મા ક્રમે રહ્યો છે. કવોલિફાઇંગમાં ટોપ-૮ સ્થાને રહેનાર શૂટરને ફાઇનલમાં જગ્યા મળે છે.
ટોક્યો ઓલિમ્પિકસમાં મેડલ માટે સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે, શૂટિંગમાં મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂર્વી ચંદેલા ફાઇનલ માટે કવોલિફાઇ ન કરી શકી.