મોદી સરકાર ૧ ઓકટોબરથી નવો શ્રમ કાયદો લાગુ કરી શકે છે. જો આમ થશે તો સપ્તાહમાં ફકત ચાર જ દિવસ કામ કરવાનું રહેશે. તો આ નવા કાયદાથી પીએફ બેલેન્સ પણ વધશે. સરકાર આ નિયમ પહેલા ૧ એપ્રિલથી જ લાગુ કરવાની હતી પણ રાજ્યોની સંમતિ ના મળવાના કારણે હવે તેને ૧ ઓકટોબરથી લાગુ કરી શકાય છે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર કર્મચારીઓએ ૯ના બદલે ૧૨ કલાકની શીફટ કરવી પડશે. જેમાં દર પાંચ કલાકે અડધા કલાકનો બ્રેક મળશે. તો સપ્તાહમાં ૪૮ કલાક કામ કરવું પડશે. જો કોઇ વ્યકિત રોજ ૮ કલાક કામ કરે તો તેને સપ્તાહમાં ૬ દિવસ કામ કરવું પડશે જ્યારે દિવસમાં ૧૨ કલાક કામ કરનાર વ્યકિતને સપ્તાહમાં ત્રણ રજા મળશે.
નવા કાયદા અનુસાર, સેલરી સ્ટ્રકચરમાં પણ ફેરફાર થશે. આ કાયદા મુજબ કર્મચારીઓનો બેઝીક પગાર કુલ પગારના ૫૦ ટકાથી વધારે હોવો જોઇએ. જો આવું થાય તો પ્રોવીડન્ટ ફંડ વધી જશે પણ હાથમાં આવતો પગાર ઘટીને આવશે.
નવા શ્રમ કાયદા હેઠળ દેશભરના કર્મચારીઓને મીનીમમ પગાર આપવો પડશે. આ નિયમ ખાસ તો પ્રવાસી મજૂરોને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. તેનાથી કામદારોને સામાજીક સુરક્ષા મળશે. દેશભરમાં સંગઠીત અને અસંગઠીત સેકટરના કર્મચારીઓને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કવર પણ મળશે. સાથે જ આ નવા કાયદાથી મહિલાઓને નાઇટ શીફટ કરવાની પણ પરવાનગી મળશે.
લોકોને હંમેશા પોતાના રીટાયરમેન્ટની ચિંતા સતાવતી હોય છે. હવે આ નવા કાયદાથી પીએફ વધશે. નિયમ અનુસાર નોકરીદાતાએ પણ કર્મચારી જેટલા જ પૈસા જમા કરાવવાના હોય છે. એટલે પીએફનું બેલેન્સ વધવાથી કર્મચારીઓને ફાયદો થશે તો કંપનીઓ પર બોજ વધશે.