પઠાણી ઉઘરાણી સામે હારેલા વેપારીએ પોતાની જ દુકાનમાં ગત રાત્રીના ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ કરેલ આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મવડી નગરમાં વિનાયક નગર વિસ્તારમાં રહેતા અને મોટામૌવા પાસે સફલ રેસીડેન્સી પાસે કોલસાની દુકાન ધરાવતા રવાભાઈ ખોડાભાઇ ઝાપડા નામના ૪૦ વર્ષીય યુવાને રાત્રીના સમયે પોતાની જ દુકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. રવાભાઈનો પુત્ર દુકાન પર આવ્યો ત્યારે પરિવારજનોને બનાવ અંગેની જાણ થઈ હતી. તાત્કાલિક ધોરણે ૧૦૮માં ફોન કરતા ૧૦૮ના સ્ટાફે રવાભાઈ ઝાપડાને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. આ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રવાભાઈ ઝાપડા કોલસાનો વેપાર કરતા હતા અને તેઓએ કોઈ કારણોસર ત્રણ વ્યાજખોરો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. જેના કારણે આ ત્રણ વ્યાજખોરમાંથી એક વ્યાજખોરે રૂ.૧ લાખની સામે રૂ.૧૩ લાખ વસુલ્યા હતા તો બીજા વ્યાજખોર દ્વારા તેમનું મકાન પચાવી પાડવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરી ૧૩ તોલા સોનું પચાવી પાડ્યું હતું. આ ત્રણેય વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત કોલસાના વેપારીએ પોતાની જ દુકાનમાં આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ છે. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે વેપારીના મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ કબજે કરી વ્યાજખોર સામે આકરા પગલાં લેવા માટે કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ મૃતક રવાભાઈ ઝાપડાના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.