મુખ્યમંત્રીની પ માર્ચની રાજકોટની સંભવિત મુલાકાતના આયોજન અંગેની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
નિવાસી અધિક કલેક્ટર કે.બી.ઠક્કરે બેઠકના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા અને પુરી સજ્જતા સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી.
પોલીસ હેડ ક્વાર્ટર, ગોંડલ ચોકડી તથા હોટેલ રીજન્સી લગુન ખાતે યોજાનારા મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમ સંબંધિત સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, સેનિટેશન, સફાઈ, ઓડિયન્સ, ટ્રાફિક, વિક્ષેપવિહીન વીજળી વગેરેની યોગ્ય ગોઠવણ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમના સ્થળે એલ.ઈ.ડી. એનાઉન્સર, લાભાર્થીઓ વગેરેનું સુચારૂ આયોજન ગોઠવવા પર ઠક્કરે ભાર મૂક્યો હતો..
આ બેઠકમાં અધિક કલેક્ટર જે.એસ.ખાચર, પ્રાંત અધિકારીઓ કે.જી.ચૌધરી,સંદીપ વર્મા તથા વિવેક ટાંક, મામલતદાર જાનકી પટેલ તથા આઇ.જી.ઝાલા, તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. તેઓ સવારે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. મુખ્યમંત્રી સાથે રામભાઈ મોકરિયા અરવિંદ રૈયાણી પણ સાથે જોવા મળ્યા. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતાઓ બપોરે 3-30 વાગ્યે સીએમ સાથે મુલાકાત કરશે.
રાજકોટમાં વર્ષો બાદ વિપક્ષનું ડેલીગેશન કોઈ મુખ્યમંત્રીને મળશે. કોંગ્રેસના નેતાઓ રાજકોટના પડતર પ્રશ્નો અને ભાવિ વિકાસના મુદ્દા સાથે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. સીએમઓ અને રાજકોટના કલેક્ટરે પોલીસ તંત્રને આ અંગે લેખિત જાણ કરી છે.