હળવદ તાલુકાના સાપકડા ગામમાં લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં કૌટુંબિક ભાઈ-ભત્રીજાએ વૃદ્ધની જમીન પચાવી પાડી બાદમાં ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોય જે બનાવ મામલે વૃદ્ધની ફરિયાદને આધારે હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદના સાપકડા ગામના રહવાસી પ્રભુભાઈ મગનભાઈ ચાવડા (ઉ.વ.૬૧) નામના વૃદ્ધે આરોપી હરીશ દલુભાઇ ચાવડા, પ્રકાશ હરીશભાઈ ચાવડા, ભાવેશ હરીશભાઈ ચાવડા અને દલુભાઇ ચતુરભાઈ ચાવડા રહે બધા સાપકડા તા. હળવદ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના સાપકડા ગામની સીમના સ.નં.૭૪૫ ની જમીન હે.આર.ચો.મી. ૦-૩૨-૩૭ જમીન તથા સર્વ નં.૭૪૬ ની જમીન હે.આર.ચો.મી. ૦-૬૩-૭૪ ની ખાતા નં.૨૫માં સહિત વારસાઈમાં બે જમીન આવેલી છે. જે તેમના અને તેમના માતા મોતીબેનના સંયુક્ત નામે છે. તેમના માતાનું ૩ વર્ષ પૂર્વે દેહાંત થયું છે.
આ બન્ને સર્વ નંબર વાળી જમીન તુર્કીના નામથી ઓળખાતી સીમમાં આવેલ છે અને આ જમીનમાં આજથી સાત વર્ષ પહેલા તેમણે ચોમાસાની સીઝનમાં વાવેતર કરી આથીક ઉપજ મેળવતા હતા. જે બાદ બન્ને સર્વ નંબર વાળી જમીનની બાજુમાં તેમના કૌટુંબિક ભાઈ હરીશભાઈ દલુભાઈની જમીન આવેલ છે અને તેમણે પ્રભૂભાઈની બન્ને સર્વ નંબરો વાળી જમીનમાં ગેરકાયદેસર રીતે બળજબળી પુર્વક કબ્જો કરતો હતો. અને અન્ય આરોપીઑ સાથે મળી તેઓ જમીનમાં વાવેતર કરી આર્થીક ઉપજ મેળવે છે. પ્રભુભાઈના મતે આરોપીઑ અત્યંત માથાભારે અને ઝનુંની છે.
આજ ત્રણ મહીના પહેલા પ્રભુભાઈએ આરોપી હરીશને જમીન પરત આપવા માટે કહેવા ગયા હતા. ત્યારે હરીશના દિકરા ભાવેશ તથા પ્રકાશે એવું કહ્યું હતું કે, ફરીથી આ જમીને આવતો નહી નહીતર તારા હાથ પગ ભાંગી નાખીશુ અને તને જાનથી મારી નાખીશુ. તેમ કહી આરોપીઑએ બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. અંતે પ્રભુભાઈએ સમગ્ર મામલે આરોપીઑ વિરુદ્ધ કલેક્ટર કચેરી મોરબી ખાતે લેન્ડ ગ્રેબીગ કાયદા હેઠળ ઓનલાઈન અરજી કરેલ હતી. જેને કલેકટરે ચકાસી તારીખ ૨૭/૦૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ બેઠકમાં મંજૂર કરી હતી.
જેથી હળવદ પોલીસે આરોપી હરીશ દલુભાઇ ચાવડા, પ્રકાશ હરીશભાઈ ચાવડા, ભાવેશ હરીશભાઈ ચાવડા અને દલુભાઇ ચતુરભાઈ ચાવડા વિરુદ્ધ સાપકડા ગામની સીમમાં આવેલ જમીનમાં ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી આર્થિક ઉપજ મેળવતા હોય અને જમીન પરત આપવાનું કહેતા વૃદ્ધ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે