દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. તા ૧૯ એપ્રિલ થી ૧ જુન સુધી સાત તબક્કે દેશભરમાં મતદાન થનાર છે .ગુજરાતમાં તારીખ ૭ મે મતદાન છે. દેશમાં ભાજપ અને એનઙીઅએ ના સાથી પક્ષો એક તરફ છે .બીજી તરફ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. તે ઇન્ડિયા ગઠબંધન તરીકે ઓળખાય છે. ઉપરાંત કેટલાક પક્ષો અને અપક્ષ સ્વતંત્ર રીતે ચૂંટણી મેદાનમાં આવી રહ્યા છે. દસ વર્ષથી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રહેલી સરકારે પ્રચારમાં વિપક્ષને પડકારી વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પ્રચારમાં મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.
ભાજપના શાસનમાં ૧૦ વર્ષમાં દેશનો ખૂબ વિકાસ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે .ભારતના વિકાસની વિશ્વમાં નોંધ લેવાયાનું ભાજપનું કહેવું છે. ભાજપ પાસે વિકાસ ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર, દેશના અર્થતંત્રને ત્રીજી ટર્મમાં પાંચમા ક્રમે લાવવાનું વચન વગેરે મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. ભાજપે વચનોને મોદીની ગેરંટી નામ આપ્યું છે. ભારત ચંદ્ર સુધી પહોંચ્યું તેને પણ કેન્દ્ર સરકારની સિદ્ધિ ગણવામાં આવે છે. પેટ્રોલ ડીઝલના તેમજ રાંધણ ગેસના ભાવમાં હમણાંનો ઘટાડો નાગરિકતા. સંશોધન કાયદાનો અમલ ૩૩% મહિલા અનામતની જાહેરાત વગેરે મુદ્દા લાભદાયી થવાની ભાજપને આશા છે. ભાજપે કોંગ્રેસ સહિતના વિપક્ષોના પરિવારવાદ પર પણ હુમલો કર્યો છે. આયુષ્યમાન કાર્ડ ખેડૂત સન્માન નિધિ વગેરે મુદ્દાઓને શાસક પક્ષે પ્રચારમાં આવરી લીધા છે.
બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ આ સરકારના રાજમાં મોંઘવારી બેફામ વધ્યાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ગરીબી બેકારી તેમજ ઇલેક્ટ્રોલ બોન્ડને આવરી લઈને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉજાગર કર્યા છે. ખેડૂતોને સહાય તેમજ પોષણક્ષમ ભાવ સરકારની ખેડૂતલક્ષી નીતિ વગેરે મુદ્દા વિપક્ષોએ પોતાના એજન્ડામાં સમાવ્યા છે. મહિલા અનામતના ભાજપના પ્રચાર સામે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મહિલાઓ પરના અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપના સુરક્ષાના દાવા સામે કોંગ્રેસ મણિપુરની હિંસાનો દાખલો આપે છે. ચૂંટણી જેમ નજીક આવતી જશે તેમ પ્રચારમાં ગરમાવો વધતો જશે.
ભાજપના મુદ્દા
* વિકાસ * કલમ ૩૭૦ દૂર * રામ મંદિર નિર્માણ * અર્થતંત્રમાં મજબૂતી * નાગરિકતા સંશોધન કાયદો * વિપક્ષોનો પરિવારવાદ * ૩૩ ટકા મહિલા અનામત * આયુષ્યમાન કાર્ડ * ચંદ્રયાનની સિધ્ધી
વિપક્ષોના મુદ્દા
* મોંઘવારી * બેરોજગારી * ધાર્મિક લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ * સરકારનું વધતુ કરજ * ગરીબી * સરકારી એજન્સીઓનો દુરૂપયોગ * મહિલાઓ પરના અત્યાચારો * ખેડૂતોને અન્યાય * ભ્રષ્ટાચાર