અમદાવાદના અસારવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક એકવાર ફરી જોવા મળ્યો છે. આઇસ્ક્રીમ પાર્લરની એક દુકાનમાં પ્રવેશીને કેટલાક લુખ્ખા તત્વોએ વેપારીને માર માર્યો હતો. લાકડી અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો કર્યો હોવાની આ હચમચાવે એવી ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે અસારવા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અસારવાના ચમનપુરા વિસ્તારમાં ખોડિદાસની નવી ચાલીમાં આવેલી એક આઇસ્ક્રીમ પાર્લરની દુકાનમાં વેપાર પર જીવલેણ હુમલો થયો હતો. વેપારી પર 3-4 લુખ્ખા તત્વોએ લાકડાના દંડા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીવીટી ફૂટેજમાં દેખાય છે કે 3-4 અસામાજિક તત્વો દુકાનમાં પ્રવેશીને વેપારી પર હુમલો કરે છે. દરમિયાન એક મહિલા પણ દુકાનમાં હાજર હતી.
સીસીવીટીના આધારે તપાસ
આ સમગ્ર ઘટના અંગે વેપારીએ ફરિયાદ કરતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. જો કે, આ હુમલો કયા કારણે કરાયો હતો તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પરંતુ, જાહેરમાં દુકાનમાં પ્રવેશી વેપારીને માર મારવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.