અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલમાં એક ગોઝારી ઘટના બની છે. એક 25 વર્ષની યુવતીએ હોસ્પિટલના 12મા માળેથી છલાંગ લગાવી જીવન ટૂકાવ્યું હોવાની ઘટના બની છે. નીચે પટકાતા યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, SVP હોસ્પિટલમાં દાખલ 25 વર્ષની યુવતી કિડનીની બીમારીથી પીડિત હતી. દરમિયાન યુવતીએ હોસ્પિટલના 12મા માળેથી છલાંગ લગાવી હતી. યુવતી હોસ્પિટલના 5મા માળે પટકાઈ હતી. આથી યુવતીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે. આ મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતી અને ડાયાલીસીસ માટે હોસ્પિટલ આવતી હતી. બીમારીથી કંટાળીને યુવતીએ આપઘાત કર્યો હોવાનું હાલ મનાઈ રહ્યું છે.
આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ
જો કે, યુવતીની આત્મહત્યા પાછળનું ચોક્કસ કોઇ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરુ કરી છે.