સુરતમાં આવકવેરા વિભાગના સ્ટેનોગ્રાફરને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે. અડાજણ ખાતે આવેલી આઈટીની ઓફિસમાં સ્ટેનોગ્રાફર રૂ.2500ની લાંચ લેતા ઝડપાયો છે. ટીડીએસની રકમ ભૂલથી વધુ ભરાઇ જતા વધારાની રકમ પરત અપાવવા માટે લાંચ માગી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, સુરતના અડાજણ ખાતે આવેલી આવકવેરા વિભાગની ઓફિસમાં તેજવીર ગેંદાસિંગ સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. ટીડીએસ ભરવાની કામગીરી કરતા એક ટેક્સ કન્સલ્ટન્ટે તેમના એક ક્લાયન્ટનું ટીડીએસ ભર્યું હતું. જો કે, ભૂલથી કાયદેસરની રકમ કરતા ટીડીએસ રૂ.17,750 વધુ ભરાયું હતું. આથી વધારાની રકમ પરત મેળવવા કન્સલ્ટન્ટે ફોર્મ ભરી ઓનલાઇન અરજી કરી હતી.
5 હજારની લાંચ માગી, રકઝક બાદ 2500માં સોદો થયો
આ અરજીને આગળ વધારવા માટે સ્ટેનોગ્રાફર તેજવીરે રૂ. 5 હજારની લાંચ માગી હતી. જો કે, રકઝક બાદ રૂ. 2500માં સોદો નક્કી કરાયો હતો. પરંતુ, કન્સલ્ટન્ટ કંપની લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેનાર સ્ટેનોગ્રાફરને રંગેહાથ ઝડપી લીધો હતો. આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, તેજવીર સિંહ છેલ્લા 7 વર્ષથી આયકર વિભાગમાં નોકરી કરે છે અને હાલ અડાજણ સ્થિત આઈટીની ઓફિસમાં રૂ. 63 હજારના પગાર સાથે ફરજ બજાવે છે.