રાજ્યભરમાં 7 મે 2023, રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા બપોરે 12.30થી 1.30ની વચ્ચે લેવાશે. ત્યારે થોડા દિવસોમાં ખૂબ જ ચગેલો મુદ્દો એટલે કે ‘પેપર ફૂટવું’, પણ એવું ન થાય અને પરીક્ષાના કેન્દ્રો પર પરીક્ષાનું સંચાલન સુચારુ રીતે થાય એ માટે નવસારી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કેતન જોષીએ જિલ્લામાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કેટલાક પ્રતિબંધાત્મક કૃત્યો ન કરવા માટેનો આદેશ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય, પરીક્ષાનું ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઈ રહે એ માટે જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, જેમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરમાં આવેલા ઝેરોક્ષ-ફેકસના મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આ સિવાય પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયર ફોન, કેમેરા, લેપટોપ જેવા સાધનો લઇ જવા પર પ્રતિબંધ રહેશે.
સાથે જ પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ન ખોરવાય એ માટે ખોદકામ પણ કરવાની મનાઈ કરવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત્ત વ્યક્તિ સિવાય અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં.
પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર બાબતે એકરારનામું કરવાનું રહેશે, તેમજ આવા મશીનો સીલ કરીને રાખવાના રહેશે. આ સિવાય કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે રવિવારે સવારે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી લાગૂ રહેશે.
જણાવી દઈએ કે અગાઉ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી કે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી થાય તો સરકારનું ધ્યાન દોરો. 100 નંબર પર ગેરરિતી અંગે ફરીયાદ કરી શકાશે. ગેરરીતી આચરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરાશે. કાવતરું રચીને કોઈ ગુનો આચરશે તો 5થી 7 વર્ષની સજા કરવામાં આવશે. નવો કાયદો બનતા સરકારના હાથ મજબૂત થયા છે.