બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 26 અને 27 મે ગુજરાતમાં પોતાનો દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છે.શરૂઆત સુરતના લીંબાયત ખાતેથી થવાની છે. જો કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા હોવાનો આરોપ સુરતની “અંધશ્રદ્ધા નિવારણ શાખા” દ્વારા કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી દિવ્ય દરબાર યોજવાની પરવાનગી નહિ આપવા અથવા તો પરવાનગી આપવામાં આવે તો જાહેરમંચ પરથી “અંધશ્રદ્ધા નિવારણ શાખાના બુદ્ધિજીવીઓ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રશ્ન પૂછવાની સહમતી આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
સુરતના લિંબાયત ખાતે આવેલ નીલગીરી સર્કલના મેદાનમાં બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેની તૈયારી શહેર બાઘેશ્વર ધામ આયોજન સમિતિ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાય તે પહેલાં જ સુરતમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના યોજાવા જઈ રહેલા દિવ્ય દરબારનો સુરતની “અંધશ્રદ્ધા નિવારણ શાખા”દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. શાખાના પ્રમુખ મધુકરભાઈ કાકડીયાએ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં તેઓએ લિંબાયત ખાતે યોજાવવા જઈ રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને પરવાનગી નહીં આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. ઉપરાંત જો પરવાનગી આપવામાં આવે તો અંધશ્રદ્ધા નિવારણ શાખાના બુદ્ધિજીવીઓ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાહેર મંચ પરથી પ્રશ્ન પૂછવા અંગેની સહમતી આપવામાં આવે તેવી માંગ કરી છે.
તદ ઉપરાંત સુરતના એક વેપારીએ રાજ્યમાં અંધશ્રદ્ધા, વહેમ સહિતની બાબતો પર કામ કરતા સામાજિક કાર્યકર જનક બાબરીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ પડકાર આપ્યો છે.
બાબરીયાએ આ અંગે પડકાર આપતા કહ્યું છે કે જો તમે ખરેખર ચમત્કારીક હોવ તો અમારી ટીમને તમારા દરબારમાં આમંત્રણ આપો અને આ દરબાર દરબાર દરમિયાન હું આપને 500 થી 700 કેરેટ પોલીશ હીરાનું પેકેટ આપને આપીશ. જો આ પેકેટમાં કેટલા નંગ હીરા છે તે આપ જણાવી દેશો તો તમારી દિવ્ય શક્તિનો હું સ્વીકાર કરીશે અને તમામ હીરાને આપને અર્પણ કરીશ. તેમ જણાવ્યું છે.