ગાંધીનગરના સાદરા-મોતીપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતું દંપતી જમ્મુ-કાશ્મીરમાં ફરવા માટે ગયું હતું. પરંતુ, તેમને કયાં ખબર હતી કે આ સફર તેમની અંતિમ સફર બની જશે. જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળની સહેલગાહ કર્યા બાદ પહેલ ગામ ખાતે રિવર રાફટિંગ કરતી વેળાએ તેમની બોટ અચાનક પાણીમાં તણાઈ જતા દંપતી સહિત અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોતીપુરા ગામમાં હાલ શોકની લાગણી છે.
પહેલગામમાં રિવર રાફટિંગ કરવા ગયા હતા
મળતી માહિતી મુજબ, સાદરા-મોતીપુરા ગામના વતની ભીખાભાઈ અંબાલાલ પટેલ અને તેમની પત્ની સુમિત્રાબેન અમદાવાદના કૃષ્ણનગર ખાતે રહેતા હતા. તેમનો પુત્ર મંથન કેનેડામાં રહે છે. દરમિયાન ભીખાભાઈ પત્ની સુમિત્રાબેન અને વેવાઇ સાથે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. દરમિયાન અનેક સ્થળ પર સહેલગાહ કર્યા બાદ દંપતી પહેલગામ ફરવા માટે આવ્યા હતા. દરમિયાન અન્ય સહેલાણીઓ સાથે પટેલ દંપતી પણ રિવર રાફટિંગ કરવા માટે બોટમાં બેઠું હતું.
દંપતીનાં મૃતદેહને હવાઈ માર્ગે અમદાવાદ પરત લવાશે
તેમની સાથે અન્ય બે યુવતીઓ પણ બોટમાં બેઠી હતી. જો કે બોટની સફર દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતા ખલાસીએ બોટ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બોટ પાણીના વિશાળ પ્રવાહમાં તણાઈ હતી. આ દુર્ઘટનામાં ભીખાભાઈ તથા તેમના પત્ની સુમિત્રાબેન તથા અન્ય એક નદીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં મોત થઈ ગયા હતા. ત્યાર બાદ સર્ચ ઓપરેશન હાથધરીને ત્રણેય મૃતદેહ શોધી કઢાયા હતા. માહિતી મુજબ, દંપતીનાં મૃતદેહને હવાઈ માર્ગે અમદાવાદ પરત લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. આ દુર્ઘટનાથી મોતીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનાનો હચમચાવે એવો વીડિયો પણ સામે આવ્યો છે.