વિદેશ મંત્રી એસ. જયશંકરે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિરોધ પક્ષોના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. ગુજરાતના બે દિવસના પ્રવાસે વડોદરાથી નર્મદા જિલ્લામાં પહોંચેલા જયશંકરે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા. એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અગાઉ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ વખતે તેઓ તેમના દત્તક લીધેલા ગામો જોવા માટે આવ્યા હતા. ત્યારે આ મામલે તેમણેટ મીડિયા સાથે વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, રાજનીતિ કરવાની એક મર્યાદા હોવી જોઈએ. તેમણે કહ્યું કે નવા સંસદભવનના ઉદ્ઘાટનને સમગ્ર દેશે ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે એટલે કે રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીએમ મોદીએ નવા સંસદ ભવનનો ફર્સ્ટ લૂકનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા રાજપીપળા ખાતે મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે વિરોધ પક્ષોના વલણને ખોટું ગણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું માનું છું કે રાજનીતિમાં સામેલ થવાની એક મર્યાદા હોવી જોઈએ. ઓછામાં ઓછા આવા પ્રસંગોએ આખા દેશે ભેગા થઈને આ તહેવાર ઉજવવો જોઈએ.
વિરોધ પક્ષો એવી દલીલ કરે છે કે સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા થવું જોઈએ ત્યારે જયશંકરે કહ્યું કે હું માનું છું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન લોકશાહીના તહેવાર તરીકે લેવું જોઈએ અને તે જ ભાવનાથી ઉજવવું જોઈએ. તેને વિવાદનો વિષય ન બનાવવો જોઈએ. જો તે વિવાદનો વિષય બની જાય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.
વિદેશ મંત્રી તેમના ગુજરાત પ્રવાસના અંતે આજે બીજા દિવસે અમદાવાદના પ્રવાસે છે અને શહેરની એક યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષ પૂરા થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધશે.