ગુજરાતમાં ચોમાસાની સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન સરેરાશ 83 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના બે ઝોનમાં તો 100 ટકાથી વધુ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 105 ટકા જ્યારે કચ્છમાં અત્યાર સુધી સિઝનનો 132 ટકા વરસાદ નોંધાયો છે.
6 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ
ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં સીઝનના ત્રણ તબક્કા દરમિયાન 61 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57.6 ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 55.3 ટકા વરસાદ પડ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્યના 6 જિલ્લા એવા છે જ્યાં 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 5 જિલ્લામાં 76થી 100 ટકા અને 16 જિલ્લામાં 51થી 75 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે. ઉપરાંત, 6 જિલ્લા એવા છે જ્યાં 26થી 50 ટકા સુધી વરસાદ પડ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 51 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે.
ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીની લહેર
રાજ્યના ડેમની વાત કરીએ તો નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 128.68 મીટર સુધી પહોચી છે, જ્યારે સરદાર સરોવર ડેમ પણ તેની સપાટીની નજીક પહોંચ્યો છે. ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ 15 ફૂટ સુધીનો વધારો થયો છે. ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે હવે રાજ્યમાં ચોમાસાની સીઝનનો ચોથો રાઉન્ડ શરૂ થશે. થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.