જામકંડોરણા સ્થિત પટેલ કન્યા છાત્રાલય ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આંબેડકર આવાસ યોજનાના ૪૪ લાભાર્થીઓને પ્રથમ હપ્તાનું રુ. ૪૦ હજારના ચેકનું વિતરણ કરાયું હતું. મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ તમામ લાભાર્થીઓને શુભકામના પાઠવી વહેલી તકે તેઓ તેમના નવા આવાસમાં રહેવા જઈ અને સુખમય જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી એ. જે. ખાચરના જણાવ્યા મુજબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા જમીન આપવામાં આવી હોય છે આ જમીન પર મકાન બાંધવા માટે ત્રણ હપ્તામાં કુલ રૂપિયા ૧.૨૦ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં આજરોજ ૪૪ લાભાર્થીઓને પ્રત્યેકને પ્રથમ હપ્તાની રુ. ૪૦૦૦૦ સહાય આપવામાં આવી છે. ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વશ્રી જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી ગોવિંદભાઈ રાણપરીયા, કંચનબેન બગડા, ગીતાબેન બગડા, ચંદુભાઈ ગોર ચંદુભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવના હસ્તે પણ લાભાર્થીઓને ચેક વિતરણ કરાવ્યું હતું. આ તકે મામલતદાર શ્રી કે.બી. શાંગાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ ભાસ્કર સહિત અન્ય અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.