પ્રથમ તબક્કાની ૧૦૨ લોકસભા સીટો માટે આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ સહિત ૨૧ રાજ્યોમાંથી ૧૦૨ લોકસભા બેઠકો માટે ઉમેદવારો આજથી ઉમેદવારી નોંધાવી શકશે. ઉત્તર-પૂર્વના છ રાજ્યો જેમાં લોકસભાની ૯ બેઠકો છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ભારતમાં તમિલનાડુની તમામ ૩૯ બેઠકો અને લક્ષદ્વીપની એક લોકસભા બેઠક પર સંપૂર્ણ રીતે ચૂંટણી નિપટાઇ જશે . પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન યોજાશે.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખોની જાહેરાત કરી દીધી છે. સમગ્ર ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન ૨૬ એપ્રિલે, ત્રીજો તબક્કો ૭ મે, ચોથો તબક્કો ૧૩ મે, પાંચમો તબક્કો ૨૦ મે, છઠ્ઠો તબક્કો ૨૫ મે અને સાતમો તબક્કો ૧ જૂને યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો ૪ જૂન, ૨૦૨૪ના રોજ આવશે. આ સંદર્ભે, આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
આ સાથે જ જે રાજ્યોમાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે ત્યાંની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે. પ્રથમ તબક્કા માટે ૨૭ માર્ચ ૨૦૨૪ સુધી નામાંકન દાખલ કરી શકાશે. ૨૮મી માર્ચે નામાંકનપત્રોની ચકાસણી થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૩૦મી માર્ચ છે.
બિહારમાં નોમિનેશનની તારીખ લંબાવવામાં આવી છે : જો કે, બિહારમાં પ્રથમ તબક્કામાં જે લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે, તે માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ તહેવારને કારણે લંબાવીને ૨૮ માર્ચ કરવામાં આવી છે. બિહારમાં લોકસભાની ૪૦માંથી ૪ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે. ૨૮મી માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. બિહાર માટે આ તારીખ ૩૦ માર્ચ છે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ૩૦ માર્ચ છે, જ્યારે બિહારમાં પ્રથમ તબક્કાની ચાર બેઠકો માટે નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા ૨ એપ્રિલ સુધી ચાલુ રહેશે.
પ્રથમ તબક્કામાં આ બેઠકો પર મતદાન : ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં તમિલનાડુમાંથી ૨૯, રાજસ્થાનમાંથી ૧૨, ઉત્તર પ્રદેશમાંથી ૮, મધ્યપ્રદેશમાંથી ૬, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાંથી ૫, બિહારમાંથી ૪, પશ્ચિમ બંગાળમાંથી ૩, અરુણાચલ પ્રદેશમાંથી ૨, મણિપુર, મેઘાલય અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ૧ સીટ પર મતદાન થશે.
પંચ સંવેદનશીલ રાજ્યો અને મતવિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સશષા પોલીસ દળો તૈનાત કરી રહ્યું છે. તમામ જિલ્લાઓમાં સંકલિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહી છે, જે સાત દિવસ અને ૨૪ કલાક કામ કરશે. સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા આપવામાં આવશે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને, તમામ પોલીસ સ્ટેશનો તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવી રહ્યા છે. તે જ સમયે, ગુનાહિત છબી ધરાવતા વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.