સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના (SDF) એકમાત્ર ધારાસભ્ય તેનઝિંગ નોર્બુ લામથા શાસક પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચામાં (SKM) જોડાઈ ગયાં છે. સત્તા પક્ષમાં લામથાના જોડાવવાથી સિક્કિમમાં હવે વિપક્ષના કોઈ ધારાસભ્ય રહ્યાં નથી.
સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે, ‘આજે મને મારા સરકારી આવાસ ખાતે ૨૩-સ્યારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેનઝિંગ નોર્બુ લામથાને મળી ખૂબ જ આનંદ થયો છે. તેઓ સત્તાવાર રીતે આપણાં SKM પરિવારમાં જોડાઈ ગયાં છે,’ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લામથાએ પોતાના મતવિસ્તારને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે એક વ્યાપક વિકાસની યોજનાના ભાગરૃપે તેમના મતવિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ કરવામાં આવશે.
તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના એકમાત્ર નેતા લામથાની જીત થઈ હતી. જેમાં તેમણે SKM ના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી કુંગા નીમા લેપચાને ૧૩૧૪ મતોના અંતરથી હાર આપી હતી. તેવામાં જ્યારે હવે લામથાના SKM માં જોડાવવા સામે લેપચાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ૨ જૂનના રોજ જાહેર કરાયેલાં ચૂંટણી પરિણામ સમયથી લામથાની SKM માં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. તેવામાં ભવિષ્યની યોજના અંગે તેમને પ્રશ્ન પૂછવામાં આવતાં જણાવ્યું હતું કે, ‘હું જનતાને પૂછીને આગળ પગલું ભરીશ.