બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી. આ અવસર પર મહંત 108 અનુપમદાસજી ગુરુ 1008 સંતદાસજી (ગિરનારીબાપુ)ની ચાદર વિધી વિધિપૂર્વક સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે રાજ્ય સહિત દેશભરમાંથી આશરે 250થી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરના જગતગુરુ દિલીપદાસજી મહારાજ, ડાકોરના મહામંડલેશ્વર જયરામદાસજી મહારાજ તથા પંચમુખી હનુમાન મંદિરના મહામંડલેશ્વર ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી જેવા અગ્રણી સંતોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ અંગે અશોકસિંહે જણાવ્યું કે મહંત રામબાલકદાસજી ગુરુ સંતદાસજીના 8 સપ્ટેમ્બરના સાકેતવાસ બાદ તેમનો ભંડારો રવિવારે યોજાયો હતો, જેમાં હજારો ભક્તોએ પ્રસાદી લીધી હતી. ધર્મસભા દરમિયાન મહંત અનુપમદાસજીએ ગૌ સેવા, સમાજ સેવા અને સનાતન એકતા જેવા વિષયો પર ભાર મૂક્યો હતો. સંતોએ એક સ્વરથી સંકલ્પ લીધો કે સૌ મળી સનાતન ધર્મના પ્રચાર અને સમાજને એકમંચ લાવવાના પ્રયત્નો ચાલુ રાખશે.
