દિવાળીના પાવન અવસર પર મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા અસરાની (Asrani) નું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન થયું છે.
ફેફસાંની સમસ્યાને કારણે હતા હોસ્પિટલમાં:
અહેવાલ મુજબ, અભિનેતા અસરાની છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને ફેફસાં સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અભિનેતા-નિર્દેશક ગોવર્ધન અસરાની, જેઓ ‘અસરાની’ તરીકે જાણીતા હતા, તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો અને મિત્રો એકઠા થયા હતા.
