ગુજરાત રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ યાદી જાહેર કરીને છે કે, રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકાર કરવો પડશે.
આ નિર્ણયનો હેતુ ડિજિટલ પ્રમાણપત્રોની સ્વીકૃતિ વધારવાનો અને નાગરિકોના દસ્તાવેજીકરણની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
CRS પોર્ટલ દ્વારા નાગરિકોને સુવિધા
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, જન્મ અને મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્રો CRS Portal માં જનરેટ થાય છે. આ પ્રમાણપત્રો નાગરિકોને તેમના ઈ-મેઈલ આઈડી પર સીધા મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકો રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની કચેરીમાંથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.
નોંધનીય છે કે રાજ્યમાં જન્મ-મરણની નોંધણી માટે અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા E-olakh Application કાર્યરત હતી, તેના બદલે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS Portal ઉપર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવા પોર્ટલ થકી જ ડિજિટલ સિગ્નેચરવાળા પ્રમાણપત્રો જારી કરવામાં આવે છે, જે હવે સત્તાવાર માન્યતા ધરાવે છે.
