આજે સાધનો વધ્યા, સુવિધા વધી એટલે આરામ પણ વધ્યો. પણ ખુશી કયાં? મનની ખુશી તો ઉલ્ટાની ઘટી ગઇ. જો તમારે ખુશી મેળવવી હોય તો બીજાને ખુશ રાખવા પડશે. ખુશી આપશો તો તમને પણ ખુશી મળશે’ તેમ બ્રહ્માકુમારીઝ દ્વારા રાજકોટમાં યોજાયેલ ‘હેપીનેસ ટુ હાઇ-વે’ કાર્યક્રમને સંબોધતા બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય સ્પીકર શિવાની દીદીએ જણાવ્યુ હતુ.
કે જે વસ્તુને શોધવા આપણે બહાર ફાફા મારીએ છીએ તે વસ્તુતો આપણી અંદર જ હોય છે. આ અંદર જવાનો માર્ગ એટલે હેપીનેસ ટુ હાઇ-વે.
આત્માના સંસ્કાર ખુશ રહેવાના અને બીજાને ખુશ રાખવાના છે. જયાં સુધી શરીર વિષે વધારે વિચારીશું ત્યાં સુધી ઇગો હર્ટ થયા કરશે. ઇગોની વ્યાખ્યા જ એવી છે કે એટેચમેન્ટ ઓડ ટુ રોંગ ઇમેજ ઓફ માય સેલ્ફ. અહંકાર વધે છે ત્યારે કમજોરી વધે છે. કમજોરી વધે એટલે આત્મશક્તિ ઘટે છે. આત્મશક્તિ ઘટે એટલે પ્રમે, ખુશી, સંસ્કાર જેવા આત્માના ગુણ પણ ઘટવા લાગે છે.
આત્માને કેમ ખુશ રાખી શકાય તે વિષે સદ્રષ્ટાંત સમજ આપતા તેઓએ જણાવેલ કે આપણા ઘરની આગળ પાછળ ગાર્ડન હોય તો આપણને પહેલા આગળનું ગાર્ડન દેખાય છે. પરંતુ જો પાછળનું ગાર્ડન જોવું હોય તો અંદર થઇને ત્યાં જવું પડેને? હવે આપણે એવુ પણ માની લેતા હોઇએ છીએ કે આગળનું ગાર્ડન સારૂ રાખીશુ, સુંદર રાખીશુ એટલે આપોઆપ પાછળનું ગાર્ડન સુંદર બની રહેશે. પણ એવું બને ખરૂ?
આ આગળનું ગાર્ડન એટલે શરીર અને પાછળનું ગાર્ડન એટલે આપનું મન. હકિકતમાં મનની અંદર જવાનું બંધ કરી દીધુ એટલે મન બગડવા લાગ્યુ અને મન બગડે એટલે તન પણ બગડે અને ધન પણ વેડફાય છે.
જયારે સદ્દકર્મો કરીશુ અને ખુશી કોઇને આપીશુ તો આવા સારા કર્મોથી આત્મા આનંદ અનુભવશે. આમ સદ્દકર્મોથી સદ્દભાગ્ય બને છે.
આપણે સ્વયંપને ઘરના શક્તિસ્તંભ બનાવવાનું. ગમે તેવી પરિસ્થિતી ઘરમાં આવી જાય. પણ આપણા મનની સ્થિતિ શક્તિશાળી હોવી જોઇએ.
આ હેપીનેસ ટુ હાઇ-વે કાર્યક્રમ પુર્વે તબીબો સાથે પણ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં શિવાની દીદીએ જણાવેલ કે તબીબો સામાન્ય રીતે દર્દીઓની સારવાર કરતા હોય છે. પરંતુ ખુદની પણ કાળજી રાખે અને પોતાની સારવાર લેવા આવનાર પ્રત્યે સહાનુભૂતિ દાખવે તો સારવાર કરનાર અને સારવાર લેનાર એમ બન્નેને સારા પરિણામો મળશે.
બાદમાં બીજા સેસશનમાં બી.કે. પરિવારના સદસ્યો માટે પણ એક ગોષ્ઠી યોજવામાં આવી હતી. જેમાં શિવાની દીદીએ દેહઅભિમાન છોડી આત્માના ગુણ અને સંસ્કારો કેળવવા શીખ આપી હતી.
બાલાજી વેફર્સના સહયોગીથી યોજાયેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માકુમારીના ગુજરાત ઝોનના ડીરેકટર ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ અંજુ દીદી, કિંજલ દીદી, ગીતા દીદી, દક્ષા દીદી, રેખા દીદી વગેરેએ જહેમત ઉઠાવી હતી.