કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજય સરકારે આજે આગામી તહેવારોને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એક કલાકના કાર્યક્રમમાં ૨૦૦દ્મક વધુ લોકો એકત્ર કરી શકાશે નહીં. રાજયમાં આગામી તહેવારો બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. જયારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવરાત્રિના ગરબા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. રાજયમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજય સરકારે આગામી તહેવારો, ઉત્સવોની ઉજવણી માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓકટોબર ૨૦૨૦થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજયમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. જેથી આ વખતે ખેલૈયાઓનો નોરતાનાં ઓરતા અધૂરા રહ્યા છે.
નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી – મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે. ૨૦૦થી વધુ વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે