શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ નિર્ણયની વિગતો આપી હતી.
સરકારે લીધેલા નિર્ણય અનુસાર સ્કૂલે આવવુ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત નહિ હોય. સ્કૂલો શરૂ થાય ત્યારે આચાર્યે પણ તકેદારી રાખવાની રહેશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી એસઓપીનું શાળા-કોલેજોએ પાલન કરવાનું રહેશે. આજે કેબીનેટની બેેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માહિતી આપી હતી અને કહ્યુ હતુ કે શાળામાં હાજરી આપવા માટે દરેક વાલીની લેખીતમાં પરવાનગી લેવામાં આવશે. કોલેજ અને યુનિવર્સિટીની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાના વર્ગો પણ શરૂ થશે. આ ઉપરાંત મેડીકલ અને પેરામેડીકલના વર્ગો પણ શરૂ થશે. આઈટીઆઈ અને પોલીટેકનિકના વર્ગો પણ શરૂ થશે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતુ કે સ્કૂલોએ ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવાની રહેશે. આ માટે ૧ દિવસ ૧ ધોરણના અને બીજા દિવસે બીજા ધોરણના વિદ્યાર્થીઓને બોલાવી શકશે. નિયમો શાળાએ ઘડવાના રહેશે. સ્કૂલમાં હાજરી આપવા માટે વિદ્યાર્થીને ફરજ નહિ પડાય. ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ રહેશે. વિદ્યાર્થી માટે બન્ને વિકલ્પ રહેશે.
રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. હવે સ્કૂલો ૨૩મીથી શરૂ થશે. આ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું તાપમાન ચેક કરાશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. ધો. ૯ થી ૧૨ના વર્ગો શરૂ થયા બાદ ધો. ૧ થી ૮ અંગે નિર્ણય લેવાશે.
સ્કૂલમાં હાજર રહેવા બાબતે વિદ્યાર્થીએ એક ફોર્મ ભરવાનુ રહેશે. જેમાં વાલીની સહી લેવાની રહેશે.
સામુહિક પ્રાર્થના – મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
વાલીઓ તેમના વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કુલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે