પેટ્રોલ – ડીઝલ અને ખાવાપીવાની વસ્તુઓ મોંઘી થયા પછી હવે ફ્રીઝ, એસી, વોશીંગ મશીન જેવા ઘરેલુ ઉપકરણોની કિંમતો પણ ૧૫ જુલાઇથી વધવાની છે. ખરેખર તો કોમોડીટી (તાંબુ, એલ્યુમીનીયમ, સ્ટીલ)ની કિંમતોમાં તેજી અને ઉત્પાદન ખર્ચ વધવાથી ઉત્પાદક કંપનીઓ જુલાઇના મધ્યથી તેની કિંમતો ૧૦-૧૫ ટકા વધારી શકે છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ કંપનીઓએ ભાવ વધાર્યા હતા.
કંપનીઓનું કહેવું છે કે દેશમાં ઉનાળો શરૂ થતાં જ ફ્રીઝ, એસી, વોશીંગ મશીન વગેરેની માંગ વધી જાય છે પણ મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનના કારણે આ ઘરેલુ સહિત બિનજરૂરી વસ્તુઓનું વેચાણ બંધ છે. લોકડાઉનમાં છૂટ મળતા જ તેના વેચાણમાં તેજી આવશે પણ સપ્લાય ઓછો હોવાથી માંગ પુરી કરવામાં મુશ્કેલી થશે અને તેની અસર ભાવો પર જોવા મળશે.
બજાજ ઇલેકટ્રીકલ્સ મુખ્ય નાણાકીય અધિકારી અનંત પુરંદરેએ કહ્યું કે, સંપૂર્ણ પણે તૈયાર વસતુઓ પર ૨૦ ટકા આયાત શુલ્કના કારણે બીજા દેશોમાંથી તૈયાર ઉત્પાદનો ખરીદવાનું મોંઘુ પડી રહ્યું છે એટલે બજારમાં ઉત્પાદનોની અછતને પુરી કરવા માટે ભાવ વધારો એકમાત્ર વિકલ્પ છે. લોકડાઉન હટયા પછી માંગને જોતા પડતરમાં વધારાનો ભાર ગ્રાહકો પર નાખવામાં આવશે.