અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે.
મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જેકશનના વિતરણ માટે પણ પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રીપોર્ટના માપદંડોના આધારે આ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.
જે દર્દીના બ્લડ રીપોર્ટસમાં સીરમ અને ક્રિએટીનીનનું સ્તર વધુ હોય, મ્યુકરની ફંગસ(ફુગ) મગજ સુધી પહોંચી હોય, દર્દી એક કિડની પર જ નિર્ભર હોય, નેફ્રોલોજીસ્ટની ભલામણ હોય, તેવા મ્યુકરમાઇકોસીસના દર્દીને જ આ કમિટી દ્વારા આ ઇન્જેકશન આપવાનું નક્કી કરવામાં આવે છે.