“અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી તાજ હોટેલમાં લગ્ન પ્રસંગ હતો. આ લગ્નમાં હાજર એક યુવક બીજા માળે આવેલી સીડીઓના પેસેજમાંથી અચાનક નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સને જાણ કરાઇ હતી.
આ અંગે હોટેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારા મહેમાનો અને સ્ટાફની સુરક્ષા એ અમારા માટે સર્વોપરી છે. આજે સવારે બનેલી આ કમનસીબ ઘટના અંગે અમે આઘાત અનુભવી છીએ અને આ સમયે મહેમાન પરિવારને અમારી સાંત્વના છે. અમે આ ઘટનામાં તેમની તપાસમાં સત્તાવાળાઓને સહકાર આપી રહ્યા છીએ.
આ બનાવમાં યુવકનું મોત નિપજ્યું છે આ અંગે સરખેજ પોલીસ દ્વારા મળતી સત્તાવાર માહિતી પ્રમાણે યુવકનું નામ અમિતકુમાર દિનેશ ઠાકુર હોવાનું જાણવા મળ્યું છે. જેનું હાલનું સરનામું નરોડા છે. હજી તેના વિશે વધુ વિગત મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.”