” લોકડાઉન હોય કે રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન કરવતા સમયે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરમાં આવા વધુ બે બનાવો સામે આવ્યા છે. શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મોહન દેસાઈ નામનો એક માથાભારે શખ્શ છરી લઈને આતંક મચાવતો હતો. અને લોકોને છરી મારીને લૂંટનો પ્રયાસ કરતો હતો.
જો કે નજીકના પાર્લરમાં બૂમાબૂમ થતાં ચોકીમાં હાજર પોલીસ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. અને હિંમત દાખવીને આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો. જો કે આરોપી એ તેમની સાથે પણ ઝપાઝપી કરી જેમાં કોન્સ્ટેબલને હાથના ભાગે ઇજા પહોંચતા ત્રણ ટાંકા પણ આવ્યા છે. છતાં તેમણે આરોપીને ઝડપીને લૂંટનો બનાવ બનતા અટકાવ્યો છે.
આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે યુનિવર્સીટી વિસ્તારમાં લૂંટ કરતા પહેલા નવરંગપુરા વિસ્તારમાં પણ એક વ્યક્તિને છરી બતાવી લૂંટ કરી હતી. જે બાબતની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધાઈ છે. જેથી યુનિવર્સીટી પોલીસે આરોપી સામે લૂંટનો પ્રયાસ તેમજ પોલીસ પર હુમલાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો તેમજ કોઈ પણ જાતનો કામ ધંધો ન કરતો હોવાથી લોકોને છરી બતાવી લૂંટી લેતો હોવાનુ ખુલ્યુ હતું. જ્યારે યુનિવર્સીટી પોલીસે આરોપી મોહન દેસાઈની તપાસ કરતા અગાઉ પણ તે આ પ્રકારનાં ગુનામાં પકડાયેલો હોવાનુ ખુલ્યુ છે. તેની સામે ૫ જેટલા ગુના નોંધાયા છે, જ્યારે એક વાર તે પાસા પણ ભોગવી ચુક્યો છે. ત્યારે હાલ તો પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.