“જો મહિલા પતિના મૃત્યુ બાદ ફરીથી લગ્ન કરે તો કાયદા મુજબ મૃત પતિના સંપતિ પરથી તેના અધિકારો જતા રહે છે. જોકે તે માટે પુનઃલગ્નના પૂરતા પૂરાવા હોવા જોઇએ તેમ છત્તીસગઢ હાઇકોર્ટે નોંધ્યું છે. જસ્ટિસ સંજય કે અગ્રવાલે તાજેતરના એક આદેશમાં આ તારણ કાઢ્યું હતું.
તેણે મૃત પતિના ભાઇ લોકનાથ દ્વારા કિયા બાઇ સામે કરાયેલી પ્રોપર્ટીના વિવાદને લગતી એક અરજી નકારી દીધી હતી. લોકનાથે દાવો કર્યો હતો કે મહિલાએ સ્થાનિક રીતિરિવાજ મુજબ ફરીથી લગ્ન કર્યા હતા. આદેશમાં ઉમેરાયું છે કે ‘હિન્દુ વિડોઝ રિમેરિજ એકટ ૧૮૫૬ની કલમ ૬ મુજબ ફરીથી લગ્નના કિસ્સામાં લગ્ન માટેની તમામ ઔપચારિકતાઓને સાબિત કરવાની જરૂર છે.
માન્ય પુનઃલગ્નની અસર એ છે કે તે મહિલા અગાઉના પતિ પાસેથી વારસામાં મળેલી સંપત્તિમાં તેનો હક્ક ગુમાવી દે છે.
આથી જયારે પણ પુનઃલગ્નને એક સંરક્ષણ તરીકે મુકવામાં આવે ત્યારે તેના આકરા પરિણામોને જોતાં તેની આકરીરીતે સાબિતી થવી જોઇએ કેમ કે તેના પરિણામોમાં તે મહિલાનો મિલ્કત પરનો અધિકાર જતો રહેવાનો છે.’ ક્રિયાના પતિ ઘાસીની મિલ્કતની વહેંચણીના વિવાદને લગતો આદેશ હતો. તેઓ રાજયના રાયગઢ જિલ્લામાં ચિચોર ઉમેરિયા ગામ ખાતે ૧૯૪૨માં મૃત્યુ પામ્યા હતા.”