“રાજ્યભરમાં રસીની અસર વર્તાઈ રહી છે. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા બુધવારે મમતા દિવસના બહાનાં હેઠળ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ રસી ન આવતા આવતીકાલે પણ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવયો છે.
જે અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે પુરતા પ્રમાણમાં રસીનો સ્ટોક આવી રહ્યો નથી. જેની સીધી અસર કોરોના રસીકરણની ઝુંબેશ ઉપર પડી રહી છે. આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે અને રસીકરણ કરવામાં આવશે નહીં. બુધવારે પણ તમામ રસીકરણ કેન્દ્રો બંધ રહ્યાં હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના અનુસાર હાલ કોર્પોરેશન પાસે રસીનો સ્ટોક છે નહીં આજે સાંજે રસી આવશે તો જ શુક્રવારે રસીકરણનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જો આજે પણ રસી આવશે નહીં તો શુક્રવારે પણ રસીકરણનો પ્રોગ્રામ બંધ રાખવો પડશે.
છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યભરમાં કોરોનાની રસીનો સ્ટોકના મુદ્દે ધાંધિયા ચાલી રહ્યાં છે. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રસીના ધાંધિયા છે. જેને કારણે રસીકરણની ડ્રાઈવને અસર થઈ રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને રસીનો કોઇ નવો સ્ટોક મળ્યો નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પાસે એટલી રસી નથી કે તેઓ શહેરમાં રસીકરણ કરી શકે. આથી, આજે તમામ વેક્સિન સેન્ટરો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
રસીનો સ્ટોક આવે પછી શુક્રવારે અંગે પણ જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને જે નાગરિકોને રસીનો બીજો ડોઝ લેવાનો છે અને સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ છે તેવા નાગરિકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.”