મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબહેન બાબરિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગ દ્વારા એલ.જી. હોસ્પિટલ, મણિનગર ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત એલ.જી. હોસ્પિટલના પ્રસૂતિ વિભાગના સગર્ભા અને નવજાત બાળકની માતાઓને સ્તનપાન કૌશલ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંત્રી ભાનુબહેન બાબરિયા દ્વારા નવજાત બાળકોને આવશ્યક ચીજવસ્તુઓની શિશુકિટ તેમજ ધાત્રી માતાઓ માટે માતૃશકિત અને મિલેટ્સની પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રી ભાનુબહેન બાબરિયાએ ધાત્રીમાતાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યની સૌ મહિલાઓની ચિંતા કરે છે. ધાત્રી માતાઓને પૂરેપૂરું પોષણ મળી રહે અને બાળક જન્મતાની સાથે જ તેને યોગ્ય સારવાર અને તેને પણ યોગ્ય પોષણ મળી રહે તે માટેના પૂરા પ્રયત્નો થાય, તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
મંત્રી ભાનુબહેન બાબરિયાએ વધુ ઉમેરતાં જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી તરીકે તેમને ધાત્રી માતા તથા નવજાત બાળકોના આરોગ્યની સાથે પોષણની પણ ચિંતા છે. બાળકોના મૃત્યુદરમાં સુધારો થાય તથા ધાત્રી માતાઓ સ્તનપાનની યોગ્ય અને સાચી ટેકનિક શીખે, નવજાત બાળકને પૂરતો પોષક આહાર મળી રહે અને નવજાત બાળકનું યોગ્ય રીતે વજન વધે તે માટે
સરકાર તથા વિભાગ પૂરી રીતે પ્રયત્નો થઈ રહ્યાં છે. સમાજમાં પ્રચલિત એવા ગળથૂથીમાં અયોગ્ય ખોરાક આપવાના કુરિવાજો છોડીને દરેક ધાત્રી માતા પોતે અને
પોતાના બાળક માટે વૈજ્ઞાનિક ઢબ અપનાવે તેવી અપીલ પણ તેમણે કરી હતી.