ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. હાલ બજેટને લગતી બેઠકોનો દોર ચાલી રહયો છે. બજેટ સત્ર પૂર્વ રાજય સરકારને સ્પર્શતી મહત્વની હિલચાલ દેખાઇ રહી છે. લાંબા સમયથી જેની ચર્ચા થઇ રહી છે તે મંત્રી મંડળ વિસ્તરણ હવે નજીકમાં હોવાનું આધારભૂત સુત્રોનું કહેવું છે. મહારાષ્ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની છે.
ભાજત સંગઠનમાં નેતૃત્વ પરિવર્તન પ્રદેશ પ્રમુખ નિશ્ચિત છે. સરકારમાં નેતૃત્વ પરિવર્તન વિષે,મુખ્યમંત્રી બદલાવા અંગે એકથી વધુ મત પ્રવર્ત છે. સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ છે. એક બે દિવસ પહેલા સંઘના અમુક મોભીઓ દ્વારા બે-ત્રણ કેબીનેટ મંત્રીઓ અને એકાદ રાજય કક્ષાના મંત્રીને અમદાવાદ બોલાવી કામગીરી બાબતે માહિતી મેળવવામાં આવ્યાનું જાણવા મળે છે. દરેક મંત્રની કામગીરીની સમીક્ષાના આધારે તેમનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. મંત્રીઓને પ્રજાલક્ષી કામગીરી માટે ચોક્કસ નિર્દેષો આપવામાં આવ્યા છે. હજુ બીજા મંત્રીઓને તબક્કવાર સંઘ દ્વારા બોલાવવામાં આવે તેવી શકયતા છે.
સત્તાવાર રીતે સંઘ અને ભાજપનું સંગઠન અલગ હોવા છતા ભાજપના નિર્ણયોમાં સંઘનું માર્ગદર્શન માનવામાં આવે છે. રાજયમાં આગામી દિવસોમાં સર્જાનારા સમીકરણોમાં સંઘની ભૂમિકા મહત્વપુર્ણ રહેશે. ૮૦ નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં એકદમ નજીકના ભવિષ્યમાં ચુંટણી આવી રહી છે ત્યારે રાજકીય નવાજુનીની અટકળો તેજ બની રહી છે. મંત્રી મંડળમાં પરિવર્તન થાય તો અમુકના ખાતા બદલાશે. અમુકને પડતા મુકાય અને નવા અમુક ચહેરાને સ્થાન અપાય તેવા નિર્દેષ છે.