બાપુનગરમા ભક્તિનગરના નેળિયા પાસે આમ્રપાલી ફ્લેટ પાસે શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો, તલવારો,ધારીયા અને પાઈપથી હુમલો થયો હતો.બનાવ અંગે સુરેશ બાબુભાઇએ 13 જણા વિરૂધ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ શુકન બંગલો પાસે શાકભાજીની લારી બાબતે ફરિયાદી સુરેશના ભાઈ વિજયને વિનોદ નાનજીના પુત્ર અનિલ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરિયાદી સુરેશના સગા સબંધીઓ વાતચીત કરવા ભેગા થયા હતા. તે સમયે અનિલના પક્ષના લોકોએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ બાબતે સુરેશ બાબુ સહિતના લોકોએ સામાવાળાને અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા.
સુરેશ અને તેના સગા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશ, તેની બહેન અને ભત્રીજાને ગંભીર ઇજાઓ થઈ હતી. બનાવને પગલે બાપુનગર પોલીસ સ્થળ પર પહોંચતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાપુનગર પોલીસે આ અંગે સુરેશ બાબુની ફરિયાદ આધારે વિનોદ નાનજી સહિત 13 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.