“અષાઢી બીજના રોજ અમદાવાદમાં યોજાતી પરંપરાગત રથયાત્રા કોરોનાકાળમાં યોજાશે કે નહિ ? તે બાબતની અટકળો ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયુ છે. આજે લાખો ભકતોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમુક શરતોને આધીન રથયાત્રા યોજવાની મંજુરી આપતા ભકતો ભાવવિભોર બની ગયા છે.
આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબીનેટની મીટીંગમાં રથયાત્રા યોજવાને લીલીઝંડી આપવામાં આવી હતી. જો કે આ માટે કોરોનાની કેટલીક ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે એટલુ જ નહી રથયાત્રાનો રૂટ પણ ટૂંકાવવામાં આવે તેવી પણ શકયતા છે.
આજે રથયાત્રાને મંજુરી મળી જતા હવે તે માટેની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ જશે. આ વખતે ૧૨મીને સોમવારના રોજ આ રથયાત્રા નિકળશે. તે પૂર્વે પહિંદવિધિ કરવામાં આવે છે જેનુ પૂજન દર વર્ષે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે. આ વખતે પણ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવશે. ૧૨મીએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા શહેરની પરિક્રમા કરશે.
રથયાત્રા અંગેની સત્તાવાર વિગતો અને ગાઈડલાઈન્સ મોડેથી બહાર પડે તેવી શકયતા છે. રથયાત્રા દરમિયાન ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. સીસીટીવી હેઠળ સમગ્ર રૂટ રહેશે.”