વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ કન્નડના મૂડબિદ્રી ખાતે જાહેર સભાને સંબોધનની શરૂઆત ‘બજરંગ બલી કી જય’ ના નારા સાથે કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે કર્ણાટકને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘હું શાંતિ અને સૌહાર્દનો સંદેશ ફેલાવનારા તમામ મઠો, તીર્થંકરો અને સંતોને આદરપૂર્વક નમન કરું છું. આજે ‘સબકા સાથ અને સબકા વિકાસ’ના મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, તેમાં તમામ સંતોની જ પ્રેરણા છે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘જનતા-જનાર્દનના આદેશ મારા માથા પર. છેવટે, આ દેશના 140 કરોડ લોકો જ અમારું રિમોટ કંટ્રોલ છે. 10 મે મતદાનનો દિવસ છે. ભાજપનો સંકલ્પ છે કર્ણાટકને નંબર-1 બનાવવાનો. ભાજપનો સંકલ્પ છે કર્ણાટકમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનો. ભાજપનો સંકલ્પ છે કર્ણાટકને મેન્યુફેક્ચરિંગમાં સુપર પાવર બનાવવાનો. આ અમારો રોડ મેપ છે જ્યારે કોંગ્રેસને તમારો વોટ એટલા માટે જોઈએ છે કારણ કે તે ભાજપની યોજનાઓ અને અહીંના લોકોના વિકાસ માટે કરેલા કામોને પલટાવવા માંગે છે.’
PMએ કહ્યું- કોંગ્રેસ શું ઈચ્છે છે?
વડા પ્રધાને કહ્યું, ‘અમારો પ્રયાસ છે કે કર્ણાટક ઔદ્યોગિક વિકાસમાં નંબર-1 બને, અમારો પ્રયાસ છે કે કર્ણાટક કૃષિ વિકાસમાં નંબર-1 બને, અમારો ઉદ્દેશ્ય એ છે કે કર્ણાટક સ્વાસ્થ્ય અને શિક્ષણમાં નંબર-1 બને. કોંગ્રેસ શું ઈચ્છે છે? કોંગ્રેસ કર્ણાટકને દિલ્હીમાં જે તેમનો ‘શાહી પરિવાર’ બેસેલો છે, એ પરિવારનું નંબર-1 એટીએમ બનાવવા માંગે છે.’
પહેલીવાર વોટ આપવા જઈ રહેલા લોકોને વડાપ્રધાને આપી સલાહ
પીએમ મોદીએ કહ્યું, ‘જે લોકો તેમના જીવનમાં પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે તેઓ કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહ્યા છે. મારા દીકરા-દીકરીઓ જેઓ પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે, જો તમારે તમારી કારકિર્દી બનાવવી છે, પોતાના મનનું કામ કરવું છે, તો કોંગ્રેસના રહેતા એ શક્ય નહીં બને. જો કર્ણાટકમાં અસ્થિરતા રહેશે તો તમારું ભવિષ્ય પણ અસ્થિર રહેશે. કોંગ્રેસ કર્ણાટકમાં શાંતિની દુશ્મન છે, વિકાસની દુશ્મન છે. કોંગ્રેસ આતંકના આકાઓને બચાવે છે, તુષ્ટિકરણ વધારે છે.’