મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અંગદાન મહોત્સવનો અમદાવાદથી પ્રારંભ થયો છે. અંગદાન એ મોટું દાન માનવામાં આવે છે કેમ કે, તેનાથી અનેક લોકોને નવજીવન મળે છે.
અંગદાન થી સેવાભાવ પ્રવૃત્તિને બળવતર બનાવનારા પરિવારોને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાચીન સમયમાં દધીચી ઋષિએ કરેલું દેહદાન આપણે સૌ જાણીએ છીએ. આપણી સંસ્કૃતિના આ ઉચ્ચતમ આદર્શોને આ અંગદાન પ્રવૃત્તિ આગળ ધપાવે છે એમ તેમણે કહ્યું હતું.
અંગદાન ક્ષેત્રે ગુજરાતની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વર્ષે ૬૭૦ જીવિત વ્યક્તિઓ અને ૨૦૩ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાયું છે. જેનાથી ઘણા જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે. માનવજીવનને લગતા કોઈપણ કાર્યોમાં સાથે ઉભું રહેવું એ સરકારની અને આપણા સૌની ફરજ બને છે. અંગદાનની આ પ્રવૃત્તિમાં મીડિયા દ્વારા પણ જાગૃતતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમ કહી આ સહિયારા પ્રયાસોને મુખ્યમંત્રી એ બિરદાવ્યા હતા. રાજ્યમાં ૨૭૨ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત કરીને સરકારે કિડનીની તકલીફ ધરાવતા રાજ્યના દર્દીઓને વન સ્ટેટ વન ડાયાલિસિસ પ્રોગ્રામ અન્વયે બેસ્ટ ટ્રીટમેન્ટ મળી રહે તે માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
કેટલીક ગેરમાન્યતાઓના લીધે અંગદાન થતા અટકતા હોય ત્યારે આવા કારણો જાણી યોગ્ય સમાધાન થાય તો આ અંગદાનની પ્રવૃત્તિ વધુ વ્યાપક બનશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ અંગદાનથી મોટું કોઈ દાન ન હોય શકે તે ભાવથી આપણા સ્વજનના મૃત્યુ બાદ અંગદાન કરવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનુ વેઇટીગ ઘટાડવા ઓર્ગન રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર જિલ્લા સ્તરે અને સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં વધારવામાં આવી રહ્યા છે.