ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો આરંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે.
સમાજના અગ્રણી ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ અને સરસપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશસિંહ કુશવાહના સંયુક્ત પ્રયાસોથી કાર્યરત કરવામાં આવેલ સંત કબીર કોવિડ કેર સેન્ટર માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
સંત કબીર કોવિડ કેર સેન્ટરમા ૩૦ ઓક્સિજન બેડ અને ૨૦ સામાન્ય બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબ, નર્સિંગ સ્ટાફ, કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત રહેશે. સારવાર મેળવી રહેલા દર્દીઓને ભોજનની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે
કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સરસપુર મતવિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશભાઈ કુશવાહ, ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.