ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ૧૮ વિષયના કુલ ૫૧ નવા પુસ્તકો અભ્યાસક્રમમાં દાખલ કરાશે. લાંબા સમયથી ધોરણ ૩થી૧૦ અને ધોરણ ૧૨ના પુસ્તકો બદલાયા ના હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ૫૧ પુસ્તક તૈયાર થયા બાદ પ્રિન્ટ પણ કરી દેવાયા છે અને બજારમાં પહોંચી ગયા હોવાની જાણકારી મળી છે. આ ઉપરાંત હવે આગામી વર્ષે પણ કેટલાક પુસ્તકો બદલાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આમ, દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ ૩થી૧૦ અને ૧૨ના નવા ૫૧ પુસ્તકોમાં ધો. ૯ના ૫, ધો. ૭ના ૩, ધો. ૩ના ૧, ધો. ૪ના ૧, ધો. ૫ના ૨, ધો. ૬ના ૨, ધો. ૮ના ૨, ધો. ૧૦ના ૧ અને ધો. ૧૨ના ૧ વિષયના પુસ્તકોમાં ફેરફાર કરાયો છે. ઘણાં વર્ષોથી પુસ્તકો બદલાયા ના હોવાથી હાલના સમયની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવાનો નિર્ણય કરાયો હતો.
જે પુસ્તકોમાં ફેરફાર કરાયો છે તે પૈકી મહત્વના વિષયોમાં ધોરણ ૩માં વચનમાળા, ધોરણ ૪માં ગુજરાતી પ્રથમ ભાષા, ધોરણ ૫માં ગુજરાતી પ્રથમ ભાષા અને પર્યાવરણ, ધોરણ ૭માં સામાજિક વિજ્ઞાન, ધોરણ ૯માં કમ્પ્યૂટર અધ્યયન, ધોરણ ૧૦માં સામાજિક વિજ્ઞાન અને ધોરણ ૧૨માં કમ્પ્યૂટર અધ્યયન વિષયના પુસ્તકોમાં ફેરફાર કરાયો છે. ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, ઉર્દૂ, તમિલ અને હિન્દી માધ્યમના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત ધોરણ ૯ની ટેક્નિકલ હાઈસ્કૂલોમાં શરૂ કરવાના થતાં નવા ૪ વોકેશનલ અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં ગુજરાતી માધ્યમમાં એન્જિનિયરિંગ વર્કશોપ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ટેક્નોલોજી અને કમ્પ્યૂટર ટેક્નોલોજી વિષયના પુસ્તકો તૈયાર કરાયા છે. નોંધનીય છે કે, પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ અને ૧૧ના નવા પુસ્તકો ૨૦૧૬માં તૈયાર કરાયા હતા. જોકે, તેમાં કેટલાક પુસ્તકો ૨૦૧૭માં તૈયાર થયા હતા. આ સિવાય ધોરણ ૧૦ અને ૧૨માં નવા પુસ્તકો ૨૦૧૭માં અમલમાં આવ્યા હતા. ધોરણ ૧૦ અને ૧૨ના પુસ્તકોમાં ચાર-પાંચ વર્ષથી ફેરફાર થયો ના હોવાથી ફેરફારની કવાયત શરૂ કરાઈ હતી અને તબક્કાવાર ફેરફાર કરાયા હતા.